

*ડાંગ જિલ્લાની શ્રી સરસ્વતી વિદ્યામંદિર, ધૂળચોંડ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ*
–
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
આહવા: તા: ૨૪: ડાંગ જિલ્લાના ધૂળચોંડ સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીની શરૂઆતમાં શાળાના બોર્ડ પર રંગબેરંગી ચોક વડે રક્ષાબંધનની સુંદર અને આકર્ષક કૃતિઓ તથા શુભેચ્છાઓ કંડારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ પરંપરાગત ઉત્સાહ સાથે જોડાયા હતા.
વિદ્યાર્થીઓ, કન્યા અને કુમારોએ સામસામે હરોળમાં બેસીને પૂજાની થાળીઓ સાથે રક્ષાબંધનની વિધિમાં ભાગ લીધો હતો. પૂજાની થાળીમાં દીવો, અક્ષત, કંકુ અને રાખડીઓ સજાવીને બહેનોએ ભાઈઓના કપાળે તિલક કરી, આરતી ઉતારીને તેમના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી તેમજ ભાઈઓએ બહેનની રક્ષાનું વચન આપ્યું હતું.
શાળાના શિક્ષકો અને સંચાલકોએ બાળકોને રક્ષાબંધનના તહેવારનું સાંસ્કૃતિક મહત્વ સમજાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમથી શાળાનું વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બની ગયું હતું.
–