Niવિશ્વ હિંદુ પરીષદ ધર્મ પ્રસાર દ્વારા રાજકોટના પ્રાચીન માર્ગો ઉપર પ્રથમ વખત “સનાતન કાવડ યાત્રા ૨૦૨૬” નુ ભવ્ય આયોજન : બમ બમ ભોલે
રાજકોટ : શ્રદ્ધા, સેવા, સંસ્કૃતિ અને સનાતન એકતાના પાવન સંદેશ સાથે રાજકોટ શહેરમાં આગામી 7 સપ્ટેમ્બર, 2026ના સોમવારે ‘સનાતન કાવડ યાત્રા–2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ભોળેનાથની અસીમ કૃપા પ્રાપ્ત કરવા તથા સમાજમાં એકતા, સેવા અને સનાતન સંસ્કૃતિનો સંદેશ પ્રસરાવવાના હેતુથી યોજાનારી આ પાવન યાત્રામાં રાજકોટની ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં સહભાગી થવા આયોજકો શ્રી કૌશીકભાઇ સરધારા, પુ. હરીચેતનાનંદ સ્વામીજી, પ્રકાશભાઇ ભાલાળા, આશિષભાઇ વેકરીયા, સાગરભાઇ પોપટ, પરીમલભાઇ પંડ્યા, યુવરાજસિંહ જાડેજા, લલીતભાઇ વસાણી દ્વારા ભાવભર્યું આહવાન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસની પાવન પરંપરામાં કાવડ યાત્રાનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. પવિત્ર જળ ધારણ કરી ભક્તિભાવપૂર્વક પગપાળા યાત્રા કરીને ભગવાન શિવને જળાભિષેક કરવાની આ પરંપરા તપ, કષ્ટસહન, શ્રદ્ધા અને સમર્પણની ભાવનાનું પ્રતીક છે. કાવડ યાત્રા સાથે અનેક પૌરાણિક અને ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે.
ચમત્કારિક હનુમાનજી મંદિર ખાતે ભવ્ય મુખ્ય કાર્યક્રમ:
કાવડ યાત્રા દરમિયાન સવારે 9:00 કલાકે ચમત્કારિક હનુમાનજી મંદિર, A.G. ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે મુખ્ય સ્ટેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, માનનીય મંત્રીશ્રીઓ, રાજકીય આગેવાનો, પૂજ્ય સંતો તથા ધાર્મિક ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિ રહેશે.
રાજકોટ બ્યુરો:તરુણ નિમાવત