
*ફેસબુકમાં ‘ફ્રી મુવી ડાઉનલોડ’ની લિંકથી મોબાઈલ હેક કરી રૂ. ૨.૫૫ લાખની સાયબર ઠગાઈ કરનાર મહેસાણાના ૨ આરોપીઓને વઘઈ પોલીસે ઝબ્બે કર્યા*
*રિપોર્ટર ઝાકિર ઝંકાર ડાંગ ડાંગ (વઘઈ)*
ડાંગ જિલ્લાની વઘઈ પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી સાયબર છેતરપિંડી આચરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને મહેસાણાના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ફ્રીમાં મુવી ડાઉનલોડ કરવાની લોભામણી જાહેરાત આપી મોબાઈલ હેક કરી રૂ. ૨,૫૫,૫૦૦/- ની ઓનલાઈન છેતરપિંડી આચરવાના ગુનામાં આ ધરપકડ કરવામાં આવી છે.
ઘટનાની વિગત:
વઘઈ ખાતે રહેતા એક ફરિયાદી સાઈ એન્ટરપ્રાઈઝની દુકાન પાસે ફેસબુક વાપરી રહ્યા હતા. તે દરમિયાન ‘ફ્રી મુવી ડાઉનલોડ’ કરવાની એક લોભામણી જાહેરાત આવી હતી. જેના પર ક્લિક કરતા ‘AISecret’ અને ‘ReBBitX Movies’ નામની શંકાસ્પદ APK ફાઈલો મોબાઈલમાં ઈન્સ્ટોલ થઈ ગઈ હતી. આ એપ્લિકેશન ઈન્સ્ટોલ થતાની સાથે જ ફરિયાદીના મોબાઈલનો કંટ્રોલ અજાણ્યા શખ્સ પાસે જતો રહ્યો હતો અને તેમના બેંક ખાતામાંથી રૂ. ૨,૫૫,૫૦૦/- ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી.
ટેકનિકલ તપાસ અને આરોપીઓની અટકાયત:
બનાવ અંગે વઘઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ ટીમે બેંક ટ્રાન્ઝેક્શન અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન આ સાયબર ફ્રોડ મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેથી આચરવામાં આવ્યું હોવાનું ખુલતા, વઘઈ પોલીસની ટીમે ઊંઝા (મહેસાણા) ખાતે દરોડો પાડી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા:
૧. રાજ ચંદ્રકાંતભાઈ નાઈ (ઉં.વ. ૨૬, ધંધો: ડ્રાઈવિંગ, રહે. વિશ્વકર્મા સોસાયટી, ઊંઝા)
૨. સંજયભાઈ મનજીભાઈ ઠાકોર (ઉં.વ. ૨૫, ધંધો: મજૂરી, રહે. ભલાસણ, તા. ઊંઝા)
આરોપિઓ પાસેથી પોલીસે રૂ. ૨૦,૦૦૦/ની કિંમતના ૨ મોબાઈલ ફોન કબજે કર્યા છે. આરોપીઓનો બેંક હિસ્ટ્રી ચેક કરતા ગુજરાત અને ઝારખંડ રાજ્યમાંથી પણ તેમની સામે સાયબર ફ્રોડની અરજીઓ નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.
પોલીસની નાગરિકોને અપીલ:
વઘઈ પોલીસ દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર મળતી ફ્રી મુવી, ટિકિટ, લોટરી, જોબ કે ઈનામ જેવી લોભામણી જાહેરાતો પર ક્લિક કરી અજાણી APK ફાઈલો કે એપ્લિકેશન મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવી નહીં. તેમજ કોઈને પણ OTP, UPI PIN કે બેંક વિગતો આપવી નહીં. જો સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર જાણ કરવી