

*આહવામાં 17 ગણેશ મંડળોએ ભક્તિભાવપૂર્વક ગણપતિ વિસર્જન કર્યું*
*ડીજેના તાલે ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ, NDRF સહિત વહીવટી તંત્ર અને તરવૈયાઓની ટીમ સજ્જ રહી*
*આહવા, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગણેશોત્સવના દસમા દિવસે ગણપતિ બાપ્પાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. આહવા નગરના વિવિધ વિસ્તારોમાંથી આશરે 17 જેટલા ગણેશ મંડળોએ ભવ્ય વિસર્જન યાત્રામાં ભાગ લીધો હતો.
ગણેશજીની પ્રતિમાઓ સાથે નીકળેલી વિસર્જન યાત્રા આહવા નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. ડીજેના તાલે ભક્તજનો દ્વારા નાચ-ગાન સાથે ગણપતિ બાપ્પાના જયઘોષ કરવામાં આવતા સમગ્ર આહવા નગર ભક્તિમય વાતાવરણમાં રંગાયું હતું.
વિસર્જન યાત્રા અંતે આહવાના મોટા તળાવ ખાતે પહોંચી હતી, જ્યાં ગણેશજીની પ્રતિમાઓની આરતી ઉતારી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણપતિ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે NDRFની ટીમ, સ્થાનિક તરવૈયાઓની ટીમ તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર તૈનાત રહ્યા હતા.
શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ વિસર્જન સંપન્ન થતાં આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરીરામ સાવંતે ગણેશ મંડળોના કાર્યકરો, ભક્તજનો, NDRF ટીમ, તરવૈયાઓ તેમજ સમગ્ર વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.