
*આહવામાં સર્પદંશ જાગૃતિ સપ્તાહની ઉજવણી, વિદ્યાર્થીઓને સર્પદંશ અંગે અપાયું માર્ગદર્શન*
*આહવા પશ્ચિમ અને પૂર્વ રેન્જ દ્વારા સરદાર વિદ્યાલય ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
*આહવા, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
ડાંગ જિલ્લામાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય સર્પદંશ જાગૃતિ સપ્તાહ અંતર્ગત આહવા પશ્ચિમ રેન્જ તથા આહવા પૂર્વ રેન્જ દ્વારા આજે સરદાર વિદ્યાલય, આહવા ખાતે સર્પદંશ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને સર્પદંશથી બચવાના ઉપાયો, સર્પદંશની પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેમજ સમયસર તબીબી સારવાર મેળવવાના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સર્પદંશના કિસ્સામાં અંધશ્રદ્ધા કે હાનિકારક પરંપરાગત ઉપાયોનો સહારો ન લઈ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર મેળવવા અંગે પણ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.
આ જાગૃતિ કાર્યક્રમમાં આહવા પૂર્વ અને પશ્ચિમ રેન્જના વન વિભાગના સ્ટાફ સાથે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ, નવસારી વિભાગ-આહવા, ડાંગના સભ્યો પણ જોડાયા હતા. ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સર્પદંશ અંગે જરૂરી અને વૈજ્ઞાનિક માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.
સર્પદંશ જાગૃતિ સપ્તાહ દરમિયાન યોજાઈ રહેલી આવી પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ સર્પદંશના જોખમવાળા વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ વધારવા તેમજ સર્પદંશની ઘટના બને ત્યારે ગભરાયા વિના યોગ્ય પ્રાથમિક પગલાં લઈ સમયસર તબીબી સારવાર મેળવવા માટે પ્રેરિત કરવાનો છે.
આહવા કંટ્રોલ રૂમ: 02631-220305