ભરૂચ જિલ્લા જંબુસર
જંબુસર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કોંગ્રેસ અગ્રણી પ્રભુદાસભાઈ મકવાણાનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો
જંબુસર તાલુકાના કલક ગામના વતની અને રાજકીય ક્ષેત્રે બહુમુખી પ્રતિભા સંપન્ન એવા પ્રભુદાસભાઈ ધનાભાઈ મકવાણા નું હૃદય રોગના હુમલામાં તેમનું મોત નીપજ્યું હતું. તેઓએ પોતાના જીવનની રાજકીય કારકિર્દીમાં જંબુસર કોલેજમાં જીએસ પદે ચૂંટાયા હતા.ત્યારબાદ કલક ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે અને જંબુસરના પનોતા પુત્ર સ્વ મગનભાઈ સોલંકી સાથે કોંગ્રેસ પક્ષમાં કાર્યકર તરીકે જોડાયા અને તેમની પક્ષ પ્રત્યેની વફાદારી નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવતા બે ટર્મ તાલુકા પંચાયત સભ્ય પદે તથા એક વાર તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા અને જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. પક્ષ પ્રત્યે વફાદારીને કામ કરવાની અલગ શૈલીને કારણે રાષ્ટ્રીય નેતા સ્વ અહેમદભાઈ પટેલના નજીકના સાથીદાર બન્યા ગુજરાત વન વિકાસ નિગમ ડાયરેક્ટર ભરૂચ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બારડોલી તથા ઝઘડિયા ના કોંગ્રેસ પક્ષના પ્રભારી તરીકે સેવાઓ આપી હતી.આ સહિત ભરૂચ જિલ્લા રોહિત સમાજ પ્રમુખ સંત શિરોમણી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ ભરૂચ પ્રમુખ તરીકે સેવા આપી તેમના નિધનથી જંબુસર તાલુકામાં ન પુરાઈ તેવી ખોટ પડી છે.પ્રભુદાસભાઈ મકવાણા ની અંતિમયાત્રા આજે જંબુસરના નિવાસ્થાનેથી નીકળી માદરે વતન કલક ખાતે પહોંચી હતી. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.અને પાર્થિવ નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. અંતિમ સંસ્કાર વિધિમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા,માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, અગ્રણી ધનજીભાઈ પરમાર, કિરણભાઈ મકવાણા, ચંદ્રકાંતભાઈ પટેલ ,બળવંતસિંહ પઢિયાર, વલ્લભભાઈ રોહિત, નૈનેશભાઈ જાદવ,શરદ સિંહ રણા, મુસ્તાકભાઈ કારભારી,સાકીરભાઇ મલેક,જાવેદભાઈ તલાટી, યુસુફખાં પઠાણ, શહેર તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.