*આહવાના આંબાપાડાના રેશનકાર્ડ ધારકોને ભારે હાલાકી: સસ્તા અનાજની દુકાન ફેરબદલ કરાતાં મામલતદારને રજૂઆત*
> **વર્ષોથી બંધારપાડા ચાલતી દુકાન અચાનક પટેલપાડા તબદીલ કરાતાં ૧૦૦ જેટલા રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં; ચોમાસામાં વયોવૃદ્ધોને ૩ કિમીનો ફેરો પડતાં રોષ**
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર : આહવા ડાંગ*
ડાંગ જિલ્લાના મુખ્યાલય આહવા તાલુકાના આંબાપાડા ફળીયાના નિવાસીઓ દ્વારા સસ્તા અનાજની દુકાન પૂર્વવત ચાલુ રાખવા અંગે જિલ્લા પુરવઠા શાખા, મામલતદારશ્રી આહવાને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
અરજીમાં જણાવ્યા અનુસાર, આંબાપાડા વિસ્તારના આશરે ૧૦૦ (એકસૌ) જેટલા રેશનકાર્ડ ધારકોને વર્ષોથી બંધારપાડા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનેથી રાશન પ્રાપ્ત થતું હતું. પરંતુ તાજેતરમાં તંત્ર દ્વારા કોઈપણ યોગ્ય કારણ વગર અચાનક આ દુકાન ફેરબદલી કરીને પટેલપાડા ખાતે તબદીલ કરી દેવામાં આવી છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આંબાપાડા ફળીયાથી પટેલપાડા ખાતે આવેલી નવી દુકાનનું અંતર જઈને પાછા આવતા આશરે ૩.૦૦ કિલોમીટર જેટલું થાય છે. જે ખૂબ દૂર હોવાથી કાર્ડધારકોને અનાજ લેવા જવા-આવવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય, વરસાદી માહોલમાં ખાસ કરીને વયોવૃદ્ધ નાગરિકો અને મહિલાઓ માટે આટલે દૂર ચાલીને જવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.
આહવા તાલુકાના સદસ્ય નયનાબેન દીપકભાઈ પટેલ સાથે આંબાપાડા ફળીયાના રહીશો તથા સ્થાનિક પ્રતિનિધિઓએ મામલતદાર સાહેબને નમ્ર અપીલ કરી છે કે રેશનકાર્ડ ધારકોની મુશ્કેલી ધ્યાને લઈ સસ્તા અનાજની દુકાન પુનઃ બંધારપાડા ખાતેથી જ ચાલુ રાખવામાં આવે, જેથી ગરીબ અને વયોવૃદ્ધ નાગરિકોને ઘરઆંગણે સરળતાથી અનાજ મળી રહે.