રાજપીપળાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને રાષ્ટ્રસેવાની ભાવના વિકસાવવાના ઉદ્દેશ સાથે રાજપીપળામાં એનસીસીનું વિશેષ તાલીમ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
5 ગુજરાત બટાલિયન એનસીસી, સુરત દ્વારા રાજપીપળા સ્થિત જી.એન.એલ.એ. કેમ્પસ ખાતે કોમ્બાઇન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ–207નું આયોજન કરવામાં આવ્યું છે. 20 જુલાઈથી શરૂ થયેલો આ દસ દિવસીય તાલીમ કેમ્પ 29 જુલાઈ સુધી યોજાશે.
આ તાલીમ શિબિરમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 500 જેટલા એનસીસી કેડેટ્સ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. કેમ્પ દરમિયાન કેડેટ્સને સૈનિકી તાલીમ સાથે જીવનમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
તાલીમના ભાગરૂપે કેડેટ્સને શારીરિક તાલીમ, અવરોધક તાલીમ, હથિયાર સંચાલન, ફાયરિંગ, ફિલ્ડ ક્રાફ્ટ, બેટલ ક્રાફ્ટ, મેપ રીડિંગ તેમજ આધુનિક ડ્રોન ટેકનોલોજીના સંચાલનની તાલીમ આપવામાં આવી રહી છે.
5 ગુજરાત બટાલિયન એનસીસી, સુરતના કમાન્ડિંગ ઓફિસર શ્રી આદર્શ ભંડારીએ જણાવ્યું હતું કે, આવી તાલીમ શિબિરોનો મુખ્ય હેતુ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, શિસ્ત, નેતૃત્વ ક્ષમતા, સ્વાવલંબન અને રાષ્ટ્રસેવાની ભાવના વિકસાવવાનો છે.
કેમ્પમાં કેડેટ્સને આપત્તિ વ્યવસ્થાપન, બચાવ કામગીરી, આરોગ્ય અને સ્વચ્છતા તેમજ વહીવટી વ્યવસ્થાપન જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે પણ તાલીમ આપવામાં આવી રહી છે.
એનસીસી માત્ર એક તાલીમ કાર્યક્રમ નહીં પરંતુ યુવાનોના વ્યક્તિત્વ ઘડતરનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે. આવી શિબિરો દ્વારા યુવાનોમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને ટીમવર્કની ભાવના વિકસે છે, જે તેમને ભવિષ્યના સશક્ત અને જવાબદાર નાગરિક બનાવવામાં મદદરૂપ બને છે.
રાજપીપળામાં ચાલી રહેલો આ CATC-207 કેમ્પ યુવાનોમાં નવી ઊર્જા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા જગાવતું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે.આ
રિપોર્ટર… ભાઈલાલભાઈ બારીયા
નર્મદા