

દેવગઢ બારિયાની ઝુંપડપટ્ટીમાં અભ્યાસ કરતા 100 બાળકોને દફ્તર અને પાણીની બોટલનું વિતરણ
દેવગઢ બારિયા, તા. 1 ઓગસ્ટ:
સામાજિક સેવા અને શિક્ષણ પ્રત્યેની સંવેદનાને પ્રોત્સાહન આપતા એક ઉમદા પ્રયાસ અંતર્ગત દેવગઢ બારિયાની ઝુંપડપટ્ટીમાં રહેતા તથા અભ્યાસ કરતા 100 જરૂરિયાતમંદ બાળકોને ઉત્તમ ગુણવત્તાના મજબૂત દફ્તર અને પીવાના પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું.
શનિવારે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં અમેરિકા સ્થિત સ્તુતિ શાહ સોની તથા તેમના પરિવારના સહયોગથી આ સામગ્રીનું વિતરણ દેવગઢ બારિયા આહાર સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી મેઘાબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું. બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિમાં પ્રોત્સાહન મળે અને તેમની દૈનિક જરૂરિયાતોને સહાયરૂપ બને તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આહાર સંસ્થા પરિવાર દ્વારા સ્તુતિ શાહ સોની તથા તેમના સમગ્ર પરિવારનો આ સેવાભાવી સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ તેમના પરિવારને સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય તથા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો કરવાની શક્તિ અને આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન બાળકો અને તેમના વાલીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે આવા સેવાકીય પ્રયાસો સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ જરૂરિયાતમંદ બાળકોને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
રિપોર્ટર દર્શન સુતરીયા દેવગઢ બારિયા