

દામાવાવ પોલીસે ₹40.73 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બે આરોપીની ધરપકડ
ઘોઘંબા, તા. 01 ઓગસ્ટ: પંચમહાલ જિલ્લાના દામાવાવ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરતાં આઇસર ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ટીન બીયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹40,73,524ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે દામાવાવ ગામ નજીક રોડ પર વોચ ગોઠવી આઇસર ગાડી નંબર MH-18-BG-6304ને અટકાવી તપાસ કરતાં કંતાનના કોથળાની આડમાં છુપાવી રાખેલો દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં કુલ 325 પેટીઓ, 11,700 બોટલો, અંદાજિત ₹30,63,524નો વિદેશી દારૂ, બે મોબાઇલ ફોન કિંમત ₹10,000 તેમજ ₹10 લાખ કિંમતની આઇસર ગાડીનો સમાવેશ થાય છે.
પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો **મનાવર (મધ્યપ્રદેશ)**થી કુક્ષી, અલીરાજપુર, દેવગઢ બારિયા, રીછવાણી, દામાવાવ થઈ સીમલીયા તરફ લઈ જવાતો હોવાનું બહાર આવ્યું છે.
આ કેસમાં પોલીસે રાજેશ કમલ રાવત (ચૌહાણ) અને દિલીપ કમલ રાવત (ચૌહાણ) (રહે. રામુખેડી, તા. ખુડેલ, જી. ઇન્દોર, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મોકલનાર સહિત અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી પંચમહાલ રેન્જના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પી.એન. ઝાલા (PSI), નરેન્દ્રસિંહ મંગળસિંહ (UHC), રાકેશકુમાર રણજીતસિંહ (APC) અને હિતેષકુમાર અશ્વિનભાઈ (APC) સહિત દામાવાવ પોલીસ સ્ટેશનની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
આ અંગે દામાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.