

બાબુભાઈ વાઢેળ જાફરાબાદ
જાફરાબાદના કાગવદર ગામે શિકારની શોધમાં PGVCL ના ટ્રાન્સફોર્મર પર ચડેલા દીપડાનું વીજ કરંટ લાગવાથી મોત….
* વન વિભાગે દીપડાના મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખસેડ્યો,
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે વીજ કરંટ લાગવાના કારણે એક દીપડાનું મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, જાફરાબાદના કાગવદર ગામે આવેલા માણસુરભાઇ નામના ખેડૂતની વાડી વિસ્તાર નજીક પીજીવીસીએલ નું ટ્રાન્સફોર્મર આવેલું છે. શિકારની શોધમાં દીપડો અચાનક આ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો. ટ્રાન્સફોર્મર પર ચડયો હતો જેના કારણે વીજ કરંટ લાગતા દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ જાફરાબાદના આર.એફ.ઓ. જી.એન. શેત્રાણીયા, ફોરેસ્ટર એમ.એ.ડોડીયા સહિતનો વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વન વિભાગની ટીમે દીપડાના મૃતદેહને ટ્રાન્સફોર્મર પરથી નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ દીપડાને પોસ્ટમોર્ટમ અર્થે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.