
*આહવામાં દીપદર્શન માધ્યમિક શાળામાં વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
ડાંગ જિલ્લાના આહવા ખાતે દીપદર્શન માધ્યમિક શાળામાં આજે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ આધારિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનનું ઉદ્ઘાટન આહવા વિજ્ઞાન કોલેજના પ્રોફેસર ડૉ. વરુણભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રદર્શન દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણને લગતી વિવિધ 20 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને મહેનતથી તૈયાર કરેલી કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓનું ધ્યાન આકર્ષ્યું હતું.
મુખ્ય મહેમાન ડૉ. વરુણભાઈ રાઠોડે વિદ્યાર્થીઓની કૃતિઓનું નિરીક્ષણ કરી તેમને વિજ્ઞાનના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા રાખવા તથા નવીન પ્રયોગો દ્વારા શીખવાની પ્રેરણા આપી હતી.
શાળાના પ્રિન્સિપાલ સુહાસિની પરમારે જણાવ્યું હતું કે, “2047 સુધી વિકસિત ભારત બનાવવાનો જે સંકલ્પ છે, તેમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો મોટો ફાળો રહેશે. અમારી શાળાના બાળકો પણ ભવિષ્યમાં વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ હિસ્સો બનશે.”
વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનના આયોજનથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને નવીન વિચારસરણીને પ્રોત્સાહન મળ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓને ઉપસ્થિત મહેમાનો અને શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવી હતી.