

*સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં ડાંગના આદિવાસી કલાકારોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની માંગ*
*ડાંગની ધરતીના મૂળ આદિવાસી કલાકારોને મંચ અને સન્માન કેમ નહીં?*
*રિપોર્ટર:- ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં અન્ય રાજ્યો તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓના કલાકારો અને તેમની કલા-કૃતિઓને મંચ અને સ્થાન આપવામાં આવે છે, ત્યારે ડાંગની ધરતીના મૂળ આદિવાસી કલાકારોને યોગ્ય પ્રતિનિધિત્વ કેમ આપવામાં આવતું નથી, તેવો સવાલ સ્થાનિક કલા ક્ષેત્રે ઉઠી રહ્યો છે.
ડાંગ જિલ્લો તેની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, લોકનૃત્ય, લોકસંગીત, પરંપરાગત વાદ્યો અને કલા-કૃતિઓ માટે આગવી ઓળખ ધરાવે છે. આવી અનોખી સાંસ્કૃતિક વિરાસત ધરાવતા ડાંગમાં અનેક સ્થાનિક કલાકારો પોતાની કલા અને પરંપરાને જીવંત રાખવા માટે સતત કાર્યરત છે.
સાપુતારા ગુજરાતના મહત્વના પ્રવાસન સ્થળોમાંનું એક છે અને મોન્સૂન ફેસ્ટિવલ જેવા મોટા મહોત્સવમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. આવા મંચ પર ડાંગના સ્થાનિક આદિવાસી કલાકારોને પોતાની પરંપરાગત કલા રજૂ કરવાની તક મળે તો ડાંગની સંસ્કૃતિને વધુ વ્યાપક ઓળખ મળી શકે છે અને સ્થાનિક કલાકારોને પણ પ્રોત્સાહન મળશે.
અન્ય રાજ્યો અને જિલ્લાઓના કલાકારોનું સ્વાગત થવું જોઈએ, પરંતુ તેની સાથે ડાંગના મૂળ આદિવાસી કલાકારોને પણ સમાન તક, મંચ અને સન્માન મળવું જરૂરી છે.
આ સવાલ માત્ર કલાકારોને તક આપવાનો નથી, પરંતુ ડાંગની ઓળખ, આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત લોકકલાના સન્માનનો છે.
સ્થાનિક કલાકારોની લાગણીને ધ્યાનમાં રાખી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલના આયોજકો તથા સંબંધિત વિભાગો આગામી કાર્યક્રમોમાં ડાંગના આદિવાસી કલાકારોને યોગ્ય અને પ્રાથમિક પ્રતિનિધિત્વ આપે તેવી સ્થાનિક કલાકારો અને કલા પ્રેમીઓ દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.