
*ડાંગમાં ભારતીય મજદૂર સંઘની મુખ્યમંત્રી સમક્ષ વિવિધ શ્રમિક પ્રશ્નોના નિરાકરણની માંગ*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
ડાંગ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવતા શ્રમિકો અને કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી મારફતે તા. 17 ઓગસ્ટ 2026ના રોજ રજૂ કરાયેલા આ આવેદનપત્રમાં આશા વર્કર, આશા ફેસિલિટેટર, આંગણવાડી વર્કર-હેલ્પર, બાંધકામ શ્રમિકો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ તેમજ ફિક્સ પગાર કર્મચારીઓ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
ભારતીય મજદૂર સંઘે જણાવ્યું હતું કે, “શ્રમિક હિત – રાષ્ટ્રહિત”ના સિદ્ધાંત સાથે શ્રમિકોના અધિકારો, યોગ્ય વેતન અને સામાજિક સુરક્ષા માટે સંગઠન સતત રજૂઆતો કરી રહ્યું છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.
આશા વર્કરોના પ્રશ્નો
આશા તથા આશા ફેસિલિટેટર બહેનોને લઘુત્તમ વેતન આપવા, તેમની કામગીરી કાયમી પ્રકારની હોવાથી આરોગ્ય વિભાગમાં કાયમી કરવાની માંગ કરવામાં આવી છે. ઓનલાઈન તથા ઓફલાઈન કામગીરીના ઇન્સેન્ટિવ સમયસર ચૂકવવા, PMMVY અને ABHA કાર્ડની બાકી ચુકવણી કરવા તેમજ ઓનલાઈન કામગીરી માટે 5G સ્માર્ટફોન આપવાની માંગણી કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી બાકી રહેલા કોડ ડ્રેસ પણ તાત્કાલિક આપવા રજૂઆત કરાઈ છે.
આંગણવાડી વર્કર-હેલ્પરના પ્રશ્નો
આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતન, દર વર્ષે 10 ટકા પગાર વધારો અને સિનિયોરિટી મુજબ પ્રમોશન આપવાની માંગ કરવામાં આવી છે. વર્કર તથા હેલ્પરની ખાલી જગ્યાઓ ભરવા અને આંગણવાડીની કામગીરી સિવાયની વધારાની કામગીરી ન સોંપવા પણ રજૂઆત કરવામાં આવી છે. નિવૃત્તિની ઉંમર 58 વર્ષથી વધારી 65 વર્ષ કરવાની માંગ પણ કરવામાં આવી છે.
બાંધકામ શ્રમિકો માટે વિવિધ માંગણીઓ
બાંધકામ શ્રમિકોના પુત્ર કે પુત્રીના લગ્ન પ્રસંગે રૂ. 20 હજારની સહાય તથા 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ દર મહિને રૂ. 2 હજાર પેન્શન આપવાની માંગ કરવામાં આવી છે. શ્રમિકોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ બાંધકામ બોર્ડમાં કાયમી સ્ટાફની ભરતી કરવાની માંગણી કરવામાં આવી છે.
બાંધકામ સેસની રકમ બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના ખાતામાં જમા થાય અને તેનો ઉપયોગ શ્રમિકોના કલ્યાણ માટે થઈ શકે તેવી વ્યવસ્થા કરવા પણ ભારતીય મજદૂર સંઘે માંગ કરી છે. બોર્ડમાં શ્રમિકોના પ્રતિનિધિઓની નિમણૂક કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની માંગ
મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા સંચાલકોને “શાળા પોષણ સહાયક” તરીકે જાહેર કરી લઘુત્તમ વેતન સહિતના લાભો આપવા માંગ કરવામાં આવી છે. મહેનતાણું વધારીને રૂ. 30 હજાર પ્રતિ માસ કરવાની, જૂથ વીમા યોજના લાગુ કરવાની તેમજ અકસ્માત જેવી અઘટિત ઘટનામાં પીડિત પરિવારને રૂ. 4 લાખની સહાય આપવાની માંગણી કરાઈ છે.
આ ઉપરાંત રસોઈયા સહિતના કર્મચારીઓને સામાજિક સુરક્ષાનું કવચ આપવા અને શાળાના કિચન તથા રસોઈ શેડમાં હાઈજેનિક કીટ ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે.
ફિક્સ પગાર કર્મચારીઓ માટે પણ રજૂઆત
રાજ્ય સરકાર, બોર્ડ, કોર્પોરેશન અને નિગમોમાં ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે પાંચ વર્ષનો સમયગાળો ઘટાડીને બે વર્ષ કરવાની માંગ કરવામાં આવી છે.
વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રોમાં ફરજ બજાવતી કર્મચારી બહેનોના પગાર અને સેવા સંબંધિત પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી છે. સાથે જ સંબંધિત બોર્ડમાં શ્રમિકોના પ્રતિનિધિઓની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે.
ભારતીય મજદૂર સંઘ-ડાંગ જિલ્લા દ્વારા રજૂ કરાયેલા આ તમામ પ્રશ્નો અંગે સરકાર ગંભીરતાથી વિચારણા કરી શ્રમિકોને રાહત મળે તેવા સકારાત્મક નિર્ણયો લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ આવેદન આપવા ગુજરાત પ્રદેશ આંગળવાડી કર્મચારીસંધ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રતિભાબેન પટેલ અને ડાંગ જિલ્લા પ્રમુખ દીપક ભાઈ આર પવાર જિલ્લા મંત્રી ઊર્મિલા બેન ગાવિત અને એમના BMS ના સભ્યો શ્રી એ મળીને આવેદન કલેકટર શ્રી ને સોંપ્યું હતું