

*“મેં હું ડોન” : સહ્યાદ્રિની ગોદમાં વસેલું ડાંગનું મનમોહક પ્રવાસન સ્થળ*
*રિપોર્ટર: ઝાકિર ઝંકાર, આહવા*
ડાંગ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલું ડોન ગામ ચોમાસામાં ધુમ્મસ, હરિયાળી, વાદળો અને ધોધોથી મનમોહક બની જાય છે. દ્રોણાચાર્યના નામ સાથે જોડાયેલી લોકમાન્યતાઓને કારણે ઓળખાતું ડોન ગુજરાતના ઊંચાઈ ધરાવતા પર્વતીય વિસ્તારોમાંનું એક છે અને સાપુતારા બાદના મહત્વના હિલ સ્ટેશન તરીકે વિકસી રહ્યું છે.
ડોનની આસપાસ સહ્યાદ્રિ પર્વતમાળાના ગાઢ જંગલો, ખીણો અને મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારોના અદભુત નજારા જોવા મળે છે. ડોન હિલ, વલ્ચર પોઈન્ટ, સૂર્યોદય-સૂર્યાસ્ત પોઈન્ટ, કુદરતી ધોધ અને ટ્રેકિંગ રૂટ્સ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણો છે. અહીં ગીધ સંવર્ધન કેન્દ્ર અને ગીધરાજની વિશાળ પ્રતિમા પણ પ્રકૃતિ અને વન્યજીવ સંરક્ષણનો સંદેશ આપે છે.
ડોન વિસ્તાર ડાંગી આદિવાસી સંસ્કૃતિ, લોકપરંપરા અને જૈવ વિવિધતાથી પણ સમૃદ્ધ છે. આસપાસના જંગલો અને કુદરતી વનઉપજ સ્થાનિકોના જીવન સાથે જોડાયેલા છે.
આહવાથી આશરે 33 કિમી અને સાપુતારાથી આશરે 55 કિમી દૂર આવેલું ડોન ચોમાસામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને ચારેકોર પથરાયેલી હરિયાળી જાણે પ્રવાસીઓને સાદ આપી રહી હોય—“મેં હું ડોન!”