

*મહિલા સશક્તિકરણ થકી આત્મનિર્ભરતાની નવી દિશા: સુબીરના ‘નંદની વન બચત જૂથ’ દ્વારા વૈજ્ઞાનિક ઢબે મશરૂમ ઉત્પાદનનો સફળ પ્રયોગ :*
–
*DRDA-NRLM યોજના થકી આદિવાસી મહિલાઓએ મશરૂમની ખેતી અને સ્પોન (બિયારણ) ઉત્પાદન દ્વારા મેળવી આર્થિક સ્વનિર્ભરતા :*
–
*સ્થાનિક બજારમાં મશરૂમ વેચાણ સાથે અન્ય મહિલાઓ અને ખેડૂતો માટે પ્રેરણારૂપ બની ‘નંદની વન’ જૂથની બહેનો*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ અને આર્થિક સશક્તિકરણ માટે સતત પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે ડાંગ જિલ્લાના સુબીર ખાતે સખી મંડળની બહેનોએ આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાંગ-આહવા અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) સંચાલિત ‘નંદની વન બચત જૂથ’, સુબીર દ્વારા મશરૂમ ઉત્પાદનની સફળ પહેલ હાથ ધરીને સ્વરોજગારીનું નવું સોપાન સર કરવામાં આવ્યું છે.
સુબીરના આ સ્વસહાય જૂથની બહેનો દ્વારા પરંપરાગત પ્રવૃત્તિઓથી આગળ વધીને આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુણવત્તાયુક્ત મશરૂમનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ઉત્પાદિત મશરૂમનું સ્થાનિક બજારમાં સીધું વેચાણ કરીને બહેનો નિયમિત અને સંતોષકારક આવક મેળવી રહી છે.
માત્ર મશરૂમ ઉત્પાદન પૂરતું સીમિત ન રહેતાં, જૂથ દ્વારા મશરૂમના બિયારણ એટલે કે ‘સ્પોન’ (Spawn)નું પણ સફળતાપૂર્વક ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ સ્પોનનું વેચાણ કરીને જૂથ વધારાની આવક મેળવી રહ્યું છે, સાથે સાથે ડાંગ જિલ્લાના અન્ય સ્થાનિક ખેડૂતો અને બહેનોને પણ મશરૂમ ઉત્પાદન ક્ષેત્રે જોડાઈને આજીવિકા મેળવવા માટે પ્રેરણા અને તાલીમબદ્ધ સહયોગ પૂરો પાડી રહ્યું છે.
આ પ્રવૃત્તિ થકી જૂથ સાથે સંકળાયેલી બહેનો માત્ર આર્થિક રીતે સક્ષમ જ નથી બની, પરંતુ તેમના આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ‘મહિલા સશક્તિકરણ થકી આત્મનિર્ભર ગામ’ના સંકલ્પને ચરિતાર્થ કરતી સુબીરના નંદની વન બચત જૂથની આ સરાહનીય કામગીરી પ્રેરણાદાયી બની છે.
–