
*કેપ્ટન સ્મિત મચ્છરની ક્ષેમકુશળતા માટે ડાંગ જિલ્લામાં યોજાઈ વિશેષ પ્રાર્થના સભા*
–
*રિપોર્ટર;ઝાકિર ઝંકાર,ડાંગ આહવા*
ડાંગ જિલ્લામાં કેપ્ટન સ્મિત મચ્છરની સલામતી અને ક્ષેમકુશળતા માટે વિવિધ તાલુકાના પ્રમુખ મંદિરો ખાતે વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પૂજા કાર્યક્રમોમાં સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ભક્તોએ શ્રદ્ધાપૂર્વક હાજરી આપીને કેપ્ટન સ્મિતની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.
જિલ્લામાં યોજાયેલી વિશેષ પૂજાની વિગતો મુજબ છે, આહવા તાલુકોમાં પૂજા સ્થળ શ્રી દંડકેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે ૧૯:૧૫ વાગ્યે યોજાયેલી પ્રાર્થનામાં ૨૫ જેટલા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તો સુબીર તાલુકામાં પૂજા સ્થળ શ્રી હનુમાન મંદિર, જુનેર ખાતે સાંજે ૬:૦૦ વાગ્યે ૧૮ જેટલા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વઘઇ તાલુકામાં પૂજા સ્થળ શ્રી રામજી મંદિર, કાલીબેલ ખાતે સાંજે ૧૯:૩૦ વાગ્યે ૩૮ જેટલા ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
ડાંગ જિલ્લાના તમામ સ્થળોએ ખૂબ જ સંવેદના સાથે ભક્તિમય વાતાવરણમાં પૂજા સંપન્ન થઈ હતી, અને ભક્તોએ કેપ્ટન સ્મિતની સલામતી માટે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના અર્પિત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી એક ફ્લાઇટમાં અચાનક એવી ઘટના બની કે થોડા સમય માટે 180 મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. પરંતુ કોકપિટમાં ઈજાગ્રસ્ત થવા છતાં ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરે હિંમત ન હારી અને મુસાફરોની મદદથી મોટી દુર્ઘટનાને ટાળી હતી.
વઢવાણના વતની સ્મિત મચ્છરના આ સાહસને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ બિરદાવ્યું છે, અને તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.
હજારો ફૂટની ઊંચાઈએ ઉડી રહેલા વિમાનમાં 180 લોકો સવાર હતા, અને અચાનક કોકપિટમાંથી બૂમાબૂમ અને ઝઘડાના અવાજો સંભળાવા લાગ્યા. થોડી જ વારમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે વિમાનના મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. પરંતુ આ મુશ્કેલ ઘડીએ એક ગુજરાતી પાઇલટે પોતાની જાનની પરવા કર્યા વિના હિંમત બતાવી. હુમલામાં ઈજાગ્રસ્ત થવા છતાં તેમણે હિંમત ન હારી અને મુસાફરોની મદદથી હુમલાખોરને કાબૂમાં લીધો.
આ બહાદુર પાઇલટ એટલે સ્મિત મચ્છર. જેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વતની છે.
ફ્લાય દુબઈની આ ફ્લાઇટમાં બુધવારે સવારે લગભગ 9 વાગ્યે આ ઘટના બની હતી. વિમાનમાં 180 લોકો સવાર હતા અને મોટાભાગના મુસાફરો ઈઝરાયલી હતા. ઈઝરાયલી અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્મિત પર હુમલો કરનાર કો-પાઇલટ ઓમાનનો નાગરિક હતો. હુમલા દરમિયાન સ્મિત ઘાયલ થયા હતા, તેમ છતાં તેમણે હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો. મુસાફરોની મદદથી હુમલાખોરને કાબૂમાં લેવામાં આવ્યો અને મોટી દુર્ઘટના ટળી હતી.
આ સમગ્ર ઘટનામાં સ્મિતની બહાદુરીને લઈને ગુજરાતના મુખ્યમંત્રીએ પણ તેમની પ્રશંસા કરી છે. તેમણે ઈઝરાયેલના નાગરિકોને બચાવનાર સ્મિત મચ્છરનું સાહસ પ્રેરણાદાયી અને સરાહનીય છે તેમ જણાવ્યું હતું. હુમલામાં ઈજાગ્રસ્ત હોવા છતાં સ્મિતે 174 યાત્રીઓનો જીવ બચાવ્યો અને ગુજરાત તથા દેશનું નામ રોશન કર્યું છે.
ગુજરાત સરકાર દ્વારા સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે દેશવાસીઓની સંવેદના સ્મિત મચ્છરની સાથે છે.