અનવી ગૃહ ઉદ્યોગ એજન્સી વિરુદ્ધ BSP નો આક્રોશ: તટસ્થ તપાસ અને પૈસા-ડોક્યુમેન્ટ પરત કરવાની માંગ


અનવી ગૃહ ઉદ્યોગ એજન્સી વિરુદ્ધ BSP નો આક્રોશ: તટસ્થ તપાસ અને પૈસા-ડોક્યુમેન્ટ પરત કરવાની માંગ
ડાંગ જિલ્લામાં મહિલા રોજગારના નામે લાખોની છેતરપિંડી!
ઝાકિર ઝંકાર : આહવા ડાંગ:
ડાંગ જિલ્લામાં મહિલા રોજગાર અપાવવાના બહાને અનવી ગૃહ ઉદ્યોગ નામની એક કથિત એજન્સીએ લાખો રૂપિયાની ઉઘરાણી કરીને અનેક મહિલાઓ સાથે છેતરપિંડી કરી હોવાનો સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. એજન્સીએ ૧૦ મહિલાઓનો ગ્રુપ બનાવી, દરેક મહિલા પાસેથી **રૂ. ૩૫૦/-**ની રકમ લીધી અને કામ આપવાની લાલચ આપી હતી, પરંતુ પૈસા લીધા બાદ આ એજન્સીના સંચાલકો ફરાર થઈ ગયા છે. ડાંગ સહિત અન્ય જિલ્લાઓની અનેક ગરીબ અને આદિવાસી મહિલાઓ આ છેતરપિંડીનો ભોગ બની છે.
આ ગંભીર છેતરપિંડીના મામલે બહુજન સમાજ પાર્ટી (BSP) એ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. BSP પાર્ટીના ઉપપ્રમુખ તુલશીરામભાઈ પાડવી અને તેમની ટીમે આજે આ મામલે ડાંગ પ્રાંત સાહેબ શ્રી ને એક આવેદનપત્ર સુપરત કર્યું છે. આવેદનમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે આ અનવી ગૃહ ઉદ્યોગ એજન્સી વિરુદ્ધ તાત્કાલિક અને તટસ્થ તપાસ શરૂ કરવામાં આવે.
BSP ઉપપ્રમુખ તુલશીરામભાઈ પાડવીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ એજન્સીએ ભોળી મહિલાઓ પાસેથી માત્ર પૈસા જ નહીં, પણ તેમના મહત્વના ડોક્યુમેન્ટ્સ (દસ્તાવેજો) પણ લઈ લીધા છે. આ ગરીબ મહિલાઓનું શોષણ છે, જે ચલાવી લેવામાં આવશે નહીં.” તેમણે ભારપૂર્વક માંગણી કરી છે કે તપાસ દ્વારા એજન્સીના સંચાલકોને શોધી કાઢવામાં આવે અને મહિલાઓના તમામ ડોક્યુમેન્ટ્સ અને એજન્સી દ્વારા લેવાયેલા પૈસા વ્યાજ સહિત પાછા અપાવવામાં આવે.
આવેદનપત્રમાં એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે જો તંત્ર આ મામલે ઝડપી અને કડક કાર્યવાહી નહીં કરે તો BSP પાર્ટી આ મહિલાઓને ન્યાય અપાવવા માટે ઉગ્ર આંદોલન કરશે. ડાંગ જિલ્લામાં લાખો રૂપિયાની આ ઉઘરાણીની ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે પ્રાંત અધિકારી કક્ષાએથી આ છેતરપિંડી કરનાર એજન્સી વિરુદ્ધ કેવા કડક પગલાં લેવામાં આવે છે.