

*ડાંગ દરબારના ભાતીગળ લોકમેળામા ડાંગના માજી રાજવીશ્રીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા રાજ્યપાલશ્રી*
*રાજ્ય સરકાર વતી ડાંગના રાજવીશ્રીઓનું સન્માન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
*પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવી દેશ માટે પ્રેરણારૂપ બનવા બદલ રાજ્યપાલશ્રીએ ડાંગ જિલ્લાને અભિનંદન પાઠવ્યાં*
*ગ્લોબલ વોર્મિંગના વૈશ્વિક પ્રશ્ને સામૂહિક ચિંતન કરવાનો અનુરોધ કરતા રાજ્યપાલશ્રી*
રિપોર્ટર :
ઝાકિર ઝંકાર:આહવા: તા: ૨
અંગ્રેજોની આધિનતા નહીં સ્વીકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરી, હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમ પ્રસંગે રાજ્યપાલશ્રીએ રામાયણનાં દંડકારણ્યનાં ડાંગનો ઉલ્લેખ કરી આ જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો હતો.
રાજા-રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની, દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શૂરવીરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરી જનજાતિય સમાજને ગૌરવ અપાવ્યું છે તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવાનું અભિયાન વેગવંતું બન્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ખેડૂતો અને નાગરિકોને ઝેરમુક્ત આહાર પૂરો પાડી સ્વસ્થ રાખવાનો છે. ગુજરાત સરકારે ૫૦૦ ગામોને પ્રાકૃતિક ગામ બનાવવાનો નિર્ણય કર્યો છે.
રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો વિશે જાગૃત કરતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, યુરિયા, ડીએપી અને ઝેરી જંતુનાશકોના અતિશય વપરાશથી જમીનના મિત્ર ગણાતા અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામ્યા છે. જેના કારણે જ કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું મૂળ કારણ બની રહ્યું છે. જો આ પદ્ધતિ ચાલુ રહેશે, તો ભવિષ્યમાં જમીન પથ્થર જેવી કઠણ થઈ જશે અને ખેતી માટે અયોગ્ય બની જશે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, નિર્મળ જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય છે. ડાંગ જિલ્લો આજે દેશ માટે પ્રેરણારૂપ જિલ્લો બન્યો છે. આ જિલ્લામાં સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ ખેડુતો પણ મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. રાજ્યપાલશ્રીએ ડાંગના તમામ ખેડુતોને સરકારની યોજનાકીય લાભો લઇ, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આગળ વધવા જણાવ્યું હતું. તેમજ ડાંગના રાજાઓ અને સરપંચશ્રીઓને પણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરવા આહવાન કર્યું હતું.
વાસુર્ણા રાજવી શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશીએ ડાંગ દરબારનાં ઐતિહાસિક કાર્યક્રમમા રાજ્યપાલશ્રીનાં આગમન પ્રસંગેની ખુશી વ્યક્તિ કરી રાજવીશ્રીઓના સન્માનની પરંપરા જાળવી રાખવા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લો જંગલથી શોભે છે. ડાંગ જિલ્લાના આદિવાસી પ્રકૃતિપૂજક છે. ત્યારે આ જંગલ અને પ્રકૃતિને બચાવનાર પાટીલ કારભારીની પ્રથા શરૂ કરવાં અને ડાંગનાં લોકોને ઘર આંગણે રોજગારી ઉપલબ્ધ કરવાં પ્રજાવતી અરજ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાને સૌને ‘ડાંગ દરબાર’મા હોળી પર્વની શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે, બ્રિટિશ સમયથી અજેય રેહલા ડાંગનાં રાજવીશ્રીઓને ૧૮૪૨થી પોલિટિકલ પેંશન એનાયત કરવામાં આવે છે. જે પરંપરા આજે પણ જળવાયેલ છે. તા.૨૬ ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઐતિહાસિક ડાંગ દરબારના મેળામાં ડાંગ ઉપરાંત નજીકના વલસાડ, નવસારી અને તાપી જિલ્લા સહિત મહારાષ્ટ્ર રાજ્યના પણ મોટી સંખ્યામાં લોકો મેળામાં આવી વ્યાપક ખરીદી તેમજ મનોરંજક રાઇડ્સ પણ માણી રહ્યાં છે. વધુમાં ડાંગ જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૪૫થી વધુ સખી મંડળના સ્ટોલ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવની નેમ સાથે સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહયો છે. સાથે જ ડાંગ દરબારના આ ભાતિગળ લોકમેળાને વધુ સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજનના કાર્યક્રમો, તેમજ મેળા દરમિયાન પોલીસ બંદોબસ્ત, સ્વચ્છતા અભિયાન, જાહેર શૌચાલયો અને પીવાના પાણીની વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ, ટ્રાયબલ ફૂડ સ્ટોલ, પ્રદર્શની, આરોગ્ય કેમ્પ જેવા પ્રજાજનો માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
‘ડાંગ દરબાર’ કાર્યક્રમમા વાસુર્ણા રાજવીશ્રીએ રાજ્યપાલશ્રીને ધનુષ્યબાણ તથા સાફો પહેરાવી સન્માનિત કર્યા હતાં. તથા ભીલ યોદ્ધાઓનું પુસ્તક અર્પણ કર્યું હતું. જિલ્લા વહીવટી તંત્રે રાજ્યપાલશ્રીને સ્મૃતિભેટમા વારલી પેન્ટિંગ તથા તારપુ અર્પણ કર્યું હતું. તો રાજ્યપાલશ્રીએ ડાંગનાં પાંચ રાજવીશ્રીઓને વિધિવત રીતે પાન સોપારી, શાલ, સ્મૃતિભેટ, સ્વર્ણમુદ્રા અને રાજકીય પેંશન અર્પણ કર્યું હતું.
આ સાથે જ રાજ્યપાલશ્રીએ લોકભવન તરફથી પણ વિધિવત સ્મૃતિભેટ આપી રાજવીશ્રીઓનું યથોચિત સન્માન કર્યું હતું.
રાજ્યપાલશ્રીના હસ્તે વર્ષ ૨૦૨૬ના ડાંગ દરબાર સાથે ડાંગના પાંચ રાજવીશ્રીઓ (૧) શ્રી કિરણસિંહ યશવંતસિંહ (ગાઢવી રાજ) ને વાર્ષિક રૂ.૧૩,૯૫,૨૬૧/-, (૨) શ્રી છત્રસિંગ ભવરસિંગ (આમાલા રાજ) ને વાર્ષિક રૂ.૧૪,૫૦,૩૨૬/-, (૩) શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી (વાસુર્ણા રાજ) ને રૂ.૧૩,૦૫,૭૯૨/-, (૪) શ્રી તપતરાવ આનંદરાવ પવાર (દહેર રાજ) ને રૂ.૭,૭૧,૧૪૪/- તથા (૫) શ્રી ત્રિકમરાવ સાહેબરાવ (પીંપરી રાજ) ને રૂ.૮,૨૨,૬૨૧/- સહિત નવ નાયકો અને ભાઉબંધોને મળીને વાર્ષિક કુલ રૂપિયા ૬૭ લાખ, ૭૪ હજાર, ૨૭૮નું પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવ્યું હતું.
આહવાના રંગ ઉપવન ખાતે આયોજિત ‘ડાંગ દરબાર’નાં સમારોહમા ડાંગી આદિવાસી લોક નૃત્ય, તથા હરિયાણી ઘુમ્મર નૃત્ય રજૂ થયું હતું. આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાએ આટોપી હતી. ઉદ્દઘોષક તરીકે શ્રી વિજયભાઈ ખાંભુ, જીગ્નેશ પાટીલ તથા તેમની ટીમે સેવા આપી હતી.
‘ડાંગ દરબાર’ના શાલિયાણા અર્પણ વિધિના કાર્યક્રમમા ડાંગ જિલ્લાના પાંચ રાજવીશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવા સહિત અધિકારી અને પદાધિકારીઓ, મહાનુભાવો, અગ્રણી નાગરિકો, વ્યકિત વિશેષ, સ્થાનિક પ્રજાજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારા કલાકારો, મીડિયાકર્મીઓ, અને ડાંગના દરબારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.