

*ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલે ઘોઘલી શિવઘાટ ખાતે સિરીઝ વાઈસ વિયર કન્સ્ટ્રક્શન સંબંધિત ચાલી રહેલી પ્રક્રિયાની રૂબરૂ મુલાકાત લીધી*
–
*મુલાકાત દરમિયાન સ્થળની ભૂગોળીય પરિસ્થિતિ, હાલની પ્રગતિ, તકનીકી મુદ્દાઓ તેમજ કામની ગુણવત્તા અને સમયમર્યાદા અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ*
–
ઝાકિર ઝંકાર : આહવા : તા, ૩૦
ડાંગ જિલ્લાની પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે તાજેતરમા જ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઘોઘલી (શિવઘાટ), ઘોઘલી-૨, ઘોઘલી-૩, ઘોઘલી-૪, અને ઘોઘલી-૫ વિયર અક્રોસ ટ્રિબ્યુટરી ઓફ ખાપરી રીવર નિયર વિલેજ નિલસાકીયાના કન્સ્ટ્રક્શન માટે કુલ રૂ. ૭૩૯૫.૭૦ લાખની રકમ મંજુર કરવામા આવી છે.
ઘોઘલી શિવઘાટ ખાતે સિરીઝ વાઈસ વિયર કન્સ્ટ્રક્શન સંબંધિત ચાલી રહેલી પ્રક્રિયાના અનુસંધાને ગતરોજ ડાંગના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓએ પણ હાજર રહ્યા હતા.
સ્થળ મુલાકાત દરમિયાન સિરીઝ વાઈસ વિયર કન્સ્ટ્રક્શન માટે પસંદ કરાયેલ સ્થળની ભૂગોળીય પરિસ્થિતિ, હાલની પ્રગતિ, તકનીકી મુદ્દાઓ તેમજ કામની ગુણવત્તા અને સમયમર્યાદા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારના પાણી સંચય, સિંચાઈ સુવિધા, ગ્રામ્ય વિકાસ તથા સ્થાનિક નાગરિકોને થનારા લાભો અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે કામગીરીને વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને યોગ્ય સૂચનો આપ્યા હતા. તેમણે નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તેમજ પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે બાબતે ખાસ ભાર મૂક્યો હતો. ઉપરાંત, સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે તેવી પણ ખાસ-સૂચના આપવામાં આવી હતી.
–