
*ડાંગ જિલ્લાનું ગૌરવ*
–
*ડાંગના અંતરિયાળ વિસ્તારના યુવકની નોંધપાત્ર સિદ્ધિ:*
–
*ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાથી મેળવી પી.એચ.ડી.ની ડિગ્રી*
–
*વિસરાતા વારસાના દસ્તાવેજીકરણ સાથે લુપ્ત થતી જતી પરંપરાના સંરક્ષણ અને જાળવણી માટે પણ ઉપયોગી સાબિત થશે આ શોધ કાર્ય*
–
ઝાકિર ઝંકાર
આહવા: તા: ૧
દક્ષિણ ગુજરાતના છેક છેવાડે આવેલા ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આહવા તાલુકાના પિપલ્યામાળ ગામના યુવાને જિલ્લાનું ગૌરવ વધારતા પી.એચ.ડી. ની ડિગ્રી હાંસલ કરી છે.
અંતરિયાળ વિસ્તારમાંથી આવતા તેજસ્વી યુવક શ્રી જીતેન્દ્રભાઈ ગુલાબભાઈ ગવળીએ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતેથી આ પદવી પ્રાપ્ત કરી છે.
શ્રી જીતેન્દ્રભાઈના સંશોધનનો વિષય “દક્ષિણ ગુજરાતનાં આદિવાસીઓના હાલરડાં: એક અધ્યયન” હતો. જે આધુનિક યુગમાં લુપ્ત થતી જતી આદિવાસી સંસ્કૃતિના અમૂલ્ય મૌખિક વારસાને ઉજાગર કરવાનો એક સરાહનીય પ્રયાસ છે. આ સંશોધન કાર્ય તેમણે પ્રોફેસર શ્રી પ્રશાંત પટેલ, ગુજરાતી વિભાગ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
શ્રી જીતેન્દ્રભાઈએ તેમની આ સંઘર્ષ યાત્રા અંગે જણાવતા કહ્યું કે, તેમના માતા-પિતા ગુલાબભાઈ અને સોમીબેન સ્વયં અશિક્ષિત હોવા છતાં, તેમના અવિરત સહયોગ અને પ્રેરણાથી તેઓ આ ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી શક્યા છે.
આ સંશોધન દ્વારા તેમણે દક્ષિણ ગુજરાતની નવ આદિવાસી જનજાતિઓ જેવી કે કુંકણા, વસાવા, ચૌધરી, ગામીત, ઢોળિયા, વારલી, હળપતિ, તળવી, અને કોટવાળિયા પર હાલરડાંનું ખૂબ જ ઊંડાણપૂર્વકથી સંશોધન કર્યું છે. તેમણે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સઘન મુલાકાતો લઈ અને વડીલ આદિવાસી મહિલા/બહેનો પાસેથી ગાયન સ્વરૂપે ૧૪૦ થી પણ વધુ હાલરડાંનું રેકોર્ડિંગ કરીને અનોખો દસ્તાવેજ તૈયાર કર્યો છે.
આ સંશોધનનું મુખ્ય ફલિતાર્થ એ છે કે ઝડપી આધુનિકિકરણના પરિણામે આદિવાસી હાલરડાં જેવી સમૃદ્ધ મૌખિક પરંપરાઓ જોખમમાં મુકાઈ છે. જીતેન્દ્રભાઈનો આ અભ્યાસ આ વિસરાતા વારસાના દસ્તાવેજીકરણ સાથે, લુપ્ત થતી જતી પરંપરાના સંરક્ષણ અને જાળવણી માટે પણ ઉપયોગી સાબિત થશે.
આ સિદ્ધિ માત્ર જીતેન્દ્રભાઈ માટે જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ડાંગ જેવા આદિવાસી બહુલ વિસ્તાર માટે અત્યંત ગૌરવપૂર્ણ છે, અને તે અસંખ્ય યુવાનો માટે પ્રેરણાદાયી બની રહેશે.
–