

*ઉંમરશર GMDC માઇનિંગ ગેટ ખાતે સિક્યુરિટી ગાર્ડ અને ડ્રાઈવરો સાથે મુલાકાત*
*પગાર–PF–સુરક્ષા તથા આરોગ્ય મુદ્દે વિસ્તૃત ચર્ચા*
ઉંમરશર સ્થિત GMDC માઇનિંગ ગેટ ખાતે આજે સિક્યુરિટી ગાર્ડ, ડ્રાઈવર તથા વિવિધ સુરક્ષા કર્મચારીઓ સાથે મહત્વપૂર્ણ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સિક્યુરિટી ગાર્ડના પગાર, ડ્યુટી સમય, PF, આરોગ્ય સુવિધાઓ તેમજ ડ્રાઈવરો માટે માઇનિંગ સેફ્ટી અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
માહિતી અનુસાર, અહીં કાર્યરત નેશનલ કંપની તથા CISS સિક્યુરિટી કંપની દ્વારા સિક્યુરિટી ગાર્ડને પગાર, PF તથા બોનસ જેવી સુવિધાઓ નિયમિત અને સમયસર આપવામાં આવે છે. સિક્યુરિટી ગાર્ડને દિનદયારી ધોરણે અંદાજે ₹760 પ્રતિદિન પગાર ચૂકવવામાં આવે છે. ઉપરાંત, વર્ષમાં બે વખત યુનિફોર્મ અને બૂટ પણ પૂરા પાડવામાં આવે છે. કર્મચારીઓએ PF, બોનસ સહિતની સુવિધાઓ સંતોષકારક હોવાનું જણાવ્યું હતું.
તેમ છતાં, હાલ સુધી સિક્યુરિટી ગાર્ડ માટે કોઈ નિયમિત મેડિકલ તપાસ યોજાઈ નથી, તેવી માહિતી પણ સામે આવી છે. નોંધનીય છે કે અહીં 100થી વધુ સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવી રહ્યા છે, જેના કારણે આરોગ્ય ચકાસણીની વ્યવસ્થા તાત્કાલિક જરૂરી હોવાનું જણાયું છે.
આ દરમિયાન અમારા રિપોર્ટર દ્વારા તાજેતરમાં ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા પ્રસિદ્ધ થયેલા ફેફસાં (લંગ) કેન્સર સંબંધિત અહેવાલ અંગે માહિતી આપવામાં આવી. અહેવાલ અનુસાર, વર્ષ 2030 સુધીમાં લંગ કેન્સર ગંભીર અને ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેમાં નોન-સ્મોકર્સ પણ જોખમ હેઠળ આવી શકે છે. તેથી ખાણકામ ક્ષેત્ર સાથે જોડાયેલા કામદારોમાં જનજાગૃતિ ફેલાવવી અત્યંત આવશ્યક હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.
જન જાગૃતિ હેલ્થ ટીમ – સલાહ અને સૂચન
ખાણકામ વિસ્તારમાં કાર્યરત તમામ સિક્યુરિટી ગાર્ડ અને ડ્રાઈવરો માટે નિયમિત મેડિકલ ચેકઅપ ફરજિયાત કરવું.
ધૂળ, ધુમાડો અને પ્રદૂષણથી બચવા માસ્ક, સેફ્ટી ગિયર અને પ્રોટેક્શન સાધનોનો નિયમિત ઉપયોગ.
ફેફસાં સંબંધિત લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી.
લંગ કેન્સર તથા અન્ય શ્વસન રોગો અંગે જનજાગૃતિ કેમ્પ અને આરોગ્ય માર્ગદર્શન કાર્યક્રમો યોજવા.
ખાણકામ કંપનીઓ દ્વારા કર્મચારીઓના આરોગ્યને પ્રાથમિકતા આપીને હેલ્થ ઇન્શ્યોરન્સ અને સુરક્ષા યોજના અમલમાં મૂકવી.
રિપોર્ટ : આદમ નોતિયાર
ઇન્ડિયન ટીવી ન્યૂઝ
લખપત તાલુકા