

પ્રેસનોટ : તા. 26-02-2026
જૂના કંડલાના મીઠા પોર્ટના 500થી વધુ પરિવારોને પુન:સ્થાપિત કરો : ડો. કાયનાત અંસારી આથા
સ્થાનીકો તથા આમ આદમી પાર્ટીની ટીમને સાથે રાખી કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને કચ્છ કલેક્ટર આનંદભાઇ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું
–
ગાંધીધામ : કંડલા ખાતે આઝાદીના સમય પહેલાથી રહેતા મીઠા પોર્ટના આશરે 500 થી વધુ મકાન ધારકોને માત્ર 7 દિવસમાં મકાન ખાલી કરી દબાણ દુર કરવાની દીનદયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા આપેલી નોટીસ બાદ આ રહેણાંક મકાનો સ્થાનીકોને સાંભળ્યા વગર જોહુકમીથી તોડી પાડવામાં આવ્યા છે. સાથે સાથે મંદીર અને મસ્જિદને પણ તોડી પાડવામાં આવ્યા છે. આશરે 100થી વધુ વર્ષથી રહેતા લોકોને એકાએક બેઘર થઇ જવું પડયું છે. જેથી આ પરિવારોને પુન:સ્થાપિત કરવા માટે આમ આદમી પાર્ટીના પુર્વ કચ્છ પ્રમુખ ડો. કાનાયત અંસારી આથાએ માંગ કરી સ્થાનીકો અને આમ અાદમી પાર્ટીના સભ્યોને સાથે રાખી કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા અને કચ્છ કલેક્ટર આનંદભાઇ પટેલને આવેદનપત્ર આપી આ અંગે સરકાર દ્વારા આ પરિવારોને પુન:સ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે યુનાઇટેડ સોલ્ટવર્કસ – મીઠા પોર્ટ, જુના કંડલા વિસ્તારમાં ભારત દેશ આઝાદ થયો એ પહેલાથી કચ્છના માણસોને રોજગાર આપતી કંપની હતી અને આ વિસ્તારમાં મીઠાનું ઉત્પાદન કરતી હતી. આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી જવાહરલાલ નહેરૂ જ્યારે કંડલા પોર્ટની પાયાવિધી માટે આવ્યા હતા ત્યારે આ કંપનીના જ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને મીઠા પોર્ટના વર્કરોને રહેવા માટે આ સ્થળે જ મકાનો બનાવી આપ્યા હતા. હાલમાં પણ 1954 માં બનેલું કંડલેશ્વર મહાદેવ મંદીર અને 1956 માં બનેલી મસ્જિદ હયાત છે. આ દરમ્યાન જ પ્રાથમિક શાળા પણ બનાવવામાં આવી હતી જેનું ગુજરાત સરકાર દ્વારા હાલમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. 500 થી વધુ ગરીબ ઘરો જે 100 વર્ષથી અહીં રહી રહ્યા હતા અને પોતાનું ગુજરાત ચલાવી રહ્યા હતા તેમને દીનદયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા ગત નવેમ્બર માસમાં એકાએક 7 દિવસમાં આ મકાનો ખાલી કરવા તથા આ મકાનોને દબાણ ઘોષીત કરી, સ્થાનીકોને સાંભળ્યા વગર આ મકાનોને તોડી પાડવામાં આવતા 500 થી વધુ પરિવારો નિરાધાર બન્યા છે તથા તેમના ઉપર આભ અને નીચે જમીન સિવાય કંઇ બચ્યું નથી.
આવેદનપત્રમાં જણાવાયું છે કે અત્યાર સુધી આ વિસ્તારમાં ધારાસભ્યશ્રી તથા અન્ય ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી તેમજ નગરપાલીકામાં આ વિસ્તારનો સમાવેશ થાય તેવી રજુઆતો પણ થઇ હતી જે અંગેનો પત્ર વ્યવહાર પણ થયો હતો ત્યારે એકાએક આ પરિવારોને ઘરવિહોણા કરી દેવાતા સરકારની ફરજ છે કે આ લોકોને પુન:સ્થાપિત કરવામાં આવે. આ અંગે આપશ્રી દ્વારા યોગ્ય કક્ષાએ રજુઆતો કરી આ પરિવારોને ન્યાય અપાવો એવી અમોને આશા છે. પોર્ટ અને ઉદ્યોગોના વિકાસ માટે તત્કાલીન સરકાર દ્વારા જ વસાવવામાં આવેલા લોકોને માત્ર 7 દિવસમાં જ નોટીસ આપીને ઘર તોડી પાડવા એ ન્યાયસંગત નથી. આ અંગે સરકાર દ્વારા પોલીસી ગઠીત કરી આ લોકોને ઉચિત ન્યાય મળે તે દિશામાં પ્રક્રિયા કરવા માટે આપશ્રી દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે યથાયોગ્ય પ્રયાસ કરશો તેવી અા વિસ્તારના લોકોની માંગ છે. આ પરિવારોને અન્ય સ્થળે પુન:સ્થાપિત કરવામાં આવે અથવા તો તેમને તેમની જ જગ્યાએ યોગ્ય આયોજનથી મકાન બનાવી આપવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની લાગણી છે. આવેદનપત્ર આપતી વખતે ડો. કાયનાત અંસારી આથા સાથે દિગ્વિજયસિંહ જાડેજા, અમરદીપસિંહ જાડેજા, ક્રિષ્નાબા જાડેજા, ગનીભાઇ હારૂન તથા સ્થાનીક રહેવાસીઓએ હાજર રહી રજુઆત કરી હતી.
ઇન્ડિયન ટીવી ન્યુઝ
રિપોર્ટર
અરવિંદ એન બોખાણી