

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પર્યટનમાં નવો અધ્યાય: નર્મદા નદીમાં ૬૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ..
એકતા નગર:
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પર્યટનનો અનુભવ વધુ રોમાંચક બનવા જઈ રહ્યો છે. નર્મદા નદીમાં ૬૦૦ પ્રવાસીઓની વિશાળ ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તમામ જરૂરી સુરક્ષા ધોરણો અને સંબંધિત વિભાગોની મંજૂરી બાદ આ પ્રભાવશાળી સેવા ટૂંક સમયમાં જ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે.
ક્રૂઝની વિશેષતાઓ અને આકર્ષણો:
એક સાથે ૬૦૦ પ્રવાસીઓ નર્મદા નદીમાં જળ વિહારનો આનંદ માણી શકશે.
ક્રૂઝની અંદર ૨૫૦ લોકો માટે ડાઇનિંગ એરિયા ઉપલબ્ધ કરાયો છે, જ્યાં પ્રવાસીઓ ભોજનનો પણ આનંદ માણી શકશે.
ક્રૂઝમાં એક વિશાળ સ્ટેજ અને આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
નવા અવસરો: આ ક્રૂઝ માત્ર પર્યટન જ નહીં, પરંતુ જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા અનેક આયોજનો માટે એક નવું અનેરું આકર્ષણ પૂરું પાડશે.
સ્થાનિક રોજગારીને વેગ:
આ ભવ્ય પ્રોજેક્ટ શરૂ થવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસન પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે અને તેની સાથેસાથે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થશે, જે પ્રદેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
રાજકોટ બ્યુરો: તરુણ નિમાવત