

*‘હર ઘર તિરંગા’ અભિયાન : ડાંગ જિલ્લો*
–
*ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની આગેવાનીમાં વઘઈ ખાતે ૧.૩ કિ.મી.ની ભવ્ય તિરંગા યાત્રા નીકળી :*
–
*તિરંગાના માન-સન્માન અને દેશભક્તિના જુસ્સા સાથે યોજાયેલી યાત્રામાં સ્થાનિક પદાધિકારીઓ, તાલુકા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને નાગરીકો ઉત્સાહભેર જોડાયા :*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
આહવા, તા. ૧૨ : સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. ડાંગ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને ભારે જન પ્રતિસાદ મળી રહ્યો છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજરોજ ડાંગ જિલ્લાના વઘઇ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલની આગેવાનીમાં ૧.૩ કિ.મી.ની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વઘઇ મામલતદાર કચેરી થી બિરસા મુંડા સર્કલ થી ફરીને મામલતદાર કચેરી સુધી યોજાયેલ આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ, ગ્રામજનો, વેપારીઓ, પોલીસ જવાન, હોમગાર્ડના જવાનો તથા શાળા અને કોલેજના છાત્રો જોડાયા હતા. હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારાથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાયો હતો. તેમજ યાત્રા દરમિયાન ગૂંજી ઉઠેલા દેશભક્તિના નારા અને લહેરાતા તિરંગાથી સમગ્ર વઘઇમાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું, જેનું માર્ગો પર ઠેર ઠેર નાગરિકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રા દરમિયાન યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રત્યેની જવાબદારી વધારવા સાથે જાગૃત સમાજ અને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ, વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શકુંતલાબેન પાડવી સહિતના તાલુકા સદસ્યોશ્રીઓ, ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, તેમજ વઘઈ તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રીઓ, સંગઠનના કાર્યકર્તાઓ, આગેવાનો સહિત, પોલીસકર્મીઓ, શાળાઓનાં વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા.
–