

*વિભાજનની વેદના અને વિસ્થાપિતોની અડગ હિંમતની ગાથા*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા ખાતે*
આહવા: તા. 12: 14 ઓગસ્ટે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વર્ષ 1947ના ભારતના વિભાજન દરમિયાન થયેલી વેદના, હિંસા, વિસ્થાપન અને સંઘર્ષને યાદ કરવામાં આવે છે. ભારતના વિભાજનથી લાખો લોકો પોતાના પેઢીઓ જૂના વતન, ઘર અને સંપત્તિ છોડીને ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા.
આ સમયગાળામાં પરિવારો વિખૂટા પડ્યા, અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા અને મહિલાઓ તથા બાળકો સહિત અસંખ્ય લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કર્યો. રેલવે, પગપાળા અને અન્ય વાહનો મારફતે લાખો લોકો અજાણ્યા ભવિષ્ય તરફ નીકળ્યા હતા.
વિભાજન બાદ શરણાર્થી શિબિરો અને પુનર્વસન વસાહતો ઉભી કરી વિસ્થાપિતોને નવી જિંદગી શરૂ કરવામાં મદદ કરવામાં આવી. મુશ્કેલીઓ છતાં અનેક વિસ્થાપિતોએ વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપી રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી.
વર્ષ 2021થી 14 ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ વિભાજનની પીડાને યાદ કરવાની સાથે એકતા, શાંતિ, માનવતા અને સામાજિક સૌહાર્દ જાળવવાનો સંદેશ આપે છે.