

*સાપુતારાના સર્પગંગા તળાવ ખાતે સંયુક્ત ફ્લડ રેસ્ક્યુ મોકડ્રિલ યોજાઈ:*
–
*આપત્તિ વ્યવસ્થાપન ટીમોની સજ્જતા ચકાસાઈ*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ સાપુતારા*
આહવા: તા: ૨: નોટિફાઇડ એરિયા, સાપુતારા સ્થિત સર્પગંગા તળાવ ખાતે આપત્તિના સમયે ઝડપી અને અસરકારક કામગીરીના હેતુસર એક સંયુક્ત ફ્લડ રેસ્ક્યુ મોકડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રિલમાં કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા, નોટિફાઇડ એરિયા કચેરી, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ તેમજ SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમે સંયુક્ત રીતે ભાગ લઈ પોતાની સજ્જતા દર્શાવી હતી.
કામગીરીનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરતા પાણીમાં કોઈ વ્યક્તિના ડૂબી જવાની કાલ્પનિક પરિસ્થિતિનું નિર્માણ કરીને SDRFની ટીમ દ્વારા ડૂબતી વ્યક્તિને સલામત બહાર કાઢવાની વિવિધ બચાવ પદ્ધતિઓનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આપત્તિ સમયે ઉપયોગમાં લેવાતા આધુનિક બચાવ સાધનો, રેસ્ક્યુ પદ્ધતિઓ અને રાખવાની થતી જરૂરી સાવચેતીઓ અંગે ઉપસ્થિત ટીમોને વિગતવાર સમજ આપવામાં આવી હતી.
પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ વ્યક્તિને SDRF અને આરોગ્ય વિભાગ દ્વારા અપાતી પ્રાથમિક સારવાર તથા તાત્કાલિક તબીબી સહાયનું લાઈવ પ્રદર્શન પણ કરાયું હતું.
આ સંયુક્ત મોકડ્રિલના સફળ આયોજનથી આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલા તમામ વિભાગો વચ્ચેનું આંતરિક સંકલન, ઝડપી પ્રતિભાવ અને ફ્લડ રેસ્ક્યુ ક્ષમતાનું પ્રાયોગિક મૂલ્યાંકન હાથ ધરાયુ હતું.
–