
*RBSK ટીમની સફળ કામગીરી: ડાંગની 11 વર્ષીય બાળકીના હૃદયની ગંભીર બીમારીની સફળ સારવાર*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પરિવાર માટે આરોગ્ય ક્ષેત્રે રાહત અને આશાનું ઉદાહરણ પૂરું પાડતી એક સફળ સારવારની ઘટના સામે આવી છે. સુબીર તાલુકાના નિશાના, ખરદાંડી ગામની 11 વર્ષીય બાળકી અનિશા મહેશભાઈ પવારને હૃદય સંબંધિત ગંભીર બીમારીનું નિદાન થયા બાદ સમયસર સારવાર મળતાં હવે બાળકી સંપૂર્ણ સ્વસ્થ થઈ સામાન્ય જીવન જીવી રહી છે.
અનિશાનો જન્મ તા. 17 જૂન, 2014ના રોજ થયો હતો. શિંગણા પી.એચ.સી. અંતર્ગત આરોગ્ય તપાસ દરમિયાન તેને હૃદય સંબંધિત સમસ્યા હોવાનું જણાયું હતું. તા. 7 ઓગસ્ટ, 2023ના રોજ તેને વધુ સારવાર માટે સંદર્ભિત કરવામાં આવી હતી. તબીબી તપાસમાં CHD/PDA 9mm (Left to Right Shunt) તથા Cardiomegalyનું નિદાન થયું હતું.
આગળની સારવાર માટે અનિશાને સુરત ખાતે આવેલ Uni Care Heart Institute and Research Center ખાતે દાખલ કરવામાં આવી હતી. તા. 21 એપ્રિલ, 2026ના રોજ હોસ્પિટલમાં દાખલ થયા બાદ તા. 22 એપ્રિલે હૃદયની સર્જરી કરવામાં આવી હતી. સફળ સારવાર બાદ તા. 23 એપ્રિલ, 2026ના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હાલમાં અનિશા RBSK ટીમ, DGAHT-599 (1240483), સુબીર, ડાંગ દ્વારા નિયમિત ફોલોઅપ હેઠળ છે. સારવાર બાદ બાળકી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું અને સામાન્ય જીવન જીવી રહી હોવાનું જણાવાયું છે.
આ સફળ સારવારમાં ડૉ. વિષ્ણુ પ્રજાપત, ડૉ. રુજુતા પટેલ, FHW દીક્ષાબેન પવાર અને Rx મહેન્દ્રભાઈ જાધવ સહિતની આરોગ્ય ટીમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
અંતરિયાળ ડાંગ જિલ્લાના બાળકોમાં સમયસર આરોગ્ય તપાસ, રોગની ઓળખ, સંદર્ભ સારવાર અને નિયમિત ફોલોઅપ દ્વારા ગંભીર બીમારીઓની સફળ સારવાર શક્ય બની રહી છે. અનિશાની આ સફળતા પરિવાર માટે ખુશી સાથે અન્ય બાળકો માટે પણ સમયસર આરોગ્ય તપાસનું મહત્વ દર્શાવતી પ્રેરણાદાયક ઘટના બની છે.