

માંગરોળ બાર એસોસિએશન કોર્ટ કામગીરીથી અળગા રહી રાજકોટમાં હાઈકોર્ટ બેંચની માંગ સાથે આવેદનપત્ર
માંગરોળ, જૂનાગઢ: સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેંચ સ્થાપવાની વર્ષો જૂની માંગને લઈને વકીલોમાં ફરી એકવાર આક્રોશ જોવા મળ્યો છે. આ મુદ્દે આજે માંગરોળ બાર એસોસિએશનના પ્રમુખ, મંત્રી સહિતના વકીલોએ કોર્ટની કામગીરીથી અળગા રહી માંગરોળના મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું.
બાર એસોસિએશનના જણાવ્યા મુજબ, ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કુલ કેસોમાંથી અંદાજે 40 ટકા કેસો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના હોય છે. રાજકોટ ખાતે હાઈકોર્ટ બેંચ શરૂ કરવામાં આવે તો આ કેસોની સુનાવણી ત્યાં થઈ શકશે, જેના કારણે અમદાવાદ હાઈકોર્ટ પરનો ભાર પણ નોંધપાત્ર રીતે ઘટશે.
વકીલોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્ર-કચ્છના અરજદારોને ન્યાય મેળવવા અમદાવાદ સુધી જવું પડે છે, જેના કારણે સમય અને નાણાંનો વ્યય થાય છે. એક વખતની મુસાફરીમાં જ 6થી 12 કલાકનો સમય લાગે છે અને તારીખ પડતા ફરીથી આવન-જાવન કરવું પડે છે.
રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છનું કેન્દ્રસ્થાન હોવાથી ત્યાં હાઈકોર્ટ બેંચ શરૂ કરવાથી સામાન્ય નાગરિકને ઘરઆંગણે સસ્તો, સરળ અને ઝડપી ન્યાય મળી શકશે. ઉપરાંત ભૂતકાળમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર બેંચ કાર્યરત રહી ચૂકી હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે ગુજરાત સિવાયના અનેક રાજ્યોમાં બે કે તેથી વધુ હાઈકોર્ટ બેંચો કાર્યરત છે. તેમજ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધીના વિવિધ મુખ્યમંત્રીઓએ ચૂંટણી દરમિયાન રાજકોટમાં હાઈકોર્ટ બેંચ સ્થાપવાની જાહેરાતો કરી હતી. રાજકોટમાં હાઈકોર્ટ માટે જરૂરી જમીન તેમજ ન્યાયાધીશો માટે રહેઠાણની સુવિધા પણ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
માંગરોળ બાર એસોસિએશને આ લેખિત આવેદનપત્ર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ બાર એસોસિએશનના આંદોલનાત્મક કાર્યક્રમને સમર્થન જાહેર કરી રાજકોટ ખાતે હાઈકોર્ટ બેંચની માંગને વધુ મજબૂત બનાવી છે.
રિપોર્ટ: ઇમરાન બાંગરા, માંગરોળ