
થાનગઢમાં આપા મેપા ભગતની પુણ્યતિથિ ઉજવાઈ : હજારો ભક્તોએ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો
થાનગઢમાં આવેલા અસ્થળ ખાતે પરમ પૂજ્ય શ્રી આપા મેપા ભગતની પુણ્યતિથિ નિમિત્તે ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢ સુદ તેરસના પવિત્ર દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો ભક્તોએ ઉપસ્થિત રહી પૂજા-પાઠ, ધ્વજ પૂજા અને મૂર્તિ પૂજામાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે પરમ પૂજ્ય ગેબીનાથ બાપુના પ્રથમ શિષ્ય શ્રી આપા મેપા ભગતના જીવન અને તેમના આધ્યાત્મિક કાર્યને યાદ કરવામાં આવ્યા. કુંભાર પ્રજાપતિ સમાજમાં જન્મેલા આપા મેપા ભગતે ભક્તિનો માર્ગ અપનાવી અનેક પરચા આપ્યા હતા.
વક્તાઓએ તેમના પ્રથમ પરચા મોલડી મુકામે આપા રતા સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું. તેમણે સોનગઢના જાલુ કુળના આપા જાદરાને પણ સાચી ભક્તિનો માર્ગ દર્શાવ્યો હતો. પંચાળમાં પીરાણાની પરંપરાને આગળ વધારવામાં તેમનું વિશેષ યોગદાન રહ્યું હતું.
આ કાર્યક્રમમાં જગ્યાના મહંતશ્રી, આપા સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ પર દાળલદેના ઠાકર તેમજ જાદરા બાપુની ફૂલ સમાધિ પર પણ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ જયેશભાઇ મોરી