

ઇશ્વરસિંહ પટેલએ ડાંગની ઘાણા જુથ પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત લીધી
*ઝાકિર ઝંકાર | આહવા*
રાજ્યના દુર્ગમ વિસ્તારો સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓની સમીક્ષા માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) મંત્રી *ઇશ્વરસિંહ પટેલ* ડાંગ જિલ્લાના આહવા તાલુકાની ઘાણા જુથ પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ મુખ્ય હેડવર્કસ *ગાયગોઠણ* ખાતે પહોંચીને યોજનાની કામગીરી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
૧૦ ગામોને મળશે લાભ
આ નવીન જુથ પાણી પુરવઠા યોજનામાં કુલ ૧૦ ગામોનો સમાવેશ કરાયો છે. હયાત યોજનાના ગામો – ગાયગોઠણ, કોટબા અને ધવલીદોડ તથા નવા સમાવિષ્ટ ગામો – ઘાણા, જામલાપાડા, ગાઢવી, સુકમાળ, દિવાનટેમ્બુન અને જામનવિહિરનો સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૧૧ની ૭૭૪૨ વસ્તીને ધ્યાનમાં રાખીને અને વર્ષ ૨૦૪૯ સુધી આશરે ૧૩૩૭૯ વસ્તી માટે અંદાજિત ૦.૯૩૭ એમએલડી પાણીની જરૂરિયાતને અનુરૂપ આયોજન કરવામાં આવ્યું છે.
યોજનાની મુખ્ય વિશેષતાઓ
* ઘાણા ગામ નજીક પૂર્ણા નદીના પટમાં ૮ મીટર ઊંચાઈના બે બંધનું નિર્માણ
* આશરે ૦.૫૬ એમએલડી સંગ્રહ ક્ષમતા
* ગાયગોઠણ ખાતે ૦.૯૩૭ એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
* સંમ્પ મારફતે પાઇપલાઇન દ્વારા તમામ ગામોમાં પાણી પુરવઠો
* અંદાજિત ખર્ચ રૂ. ૨૧૩૧.૩૨ લાખ (નેટ) અને રૂ. ૨૫૦૨.૭૭ લાખ (ગ્રોસ)
હાલની પરિસ્થિતિ
કોટબા અને ધવલીદોડ ગામોમાં ૨૦૦૧માં બનાવાયેલા ચેકડેમ આધારિત યોજના કાર્યરત છે, પરંતુ સીલ્ટ ભરાવાને કારણે પાણી સંગ્રહ ક્ષમતા ઘટી છે. અન્ય ગામો કુવા આધારિત યોજનાથી પાણી મેળવે છે, જ્યાં ઉનાળામાં પાણીના તળ નીચે જતાં અછત સર્જાય છે.
નવી ચેકડેમ અને જુથ યોજના અમલમાં આવતાં ગામોમાં પુરતો પીવા લાયક પાણીનો જથ્થો ઉપલબ્ધ બનશે.
મુલાકાત દરમ્યાન મંત્રીશ્રીએ ઉગા ચેકડેમની પણ મુલાકાત લઇ સિંચાઈ સુવિધાઓની સમીક્ષા કરી. આ પ્રસંગે જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.