*આહવા ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસ દરખાસ્ત બહુમતીથી મંજૂર, સરપંચ એ હોદ્દો ગુમાવ્યો*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર : આહવા ડાંગ*
આહવા, તા. 23 જુલાઈ: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી આહવા ગ્રામ પંચાયતમાં આજે તા. 23/07/2026ના રોજ તાલુકા વિકાસ અધિકારી આર. બી. ચૌધરીની અધ્યક્ષતામાં સરપંચ સામે મૂકાયેલી અવિશ્વાસની દરખાસ્ત અંગે વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન તલાટી કમ મંત્રી પી. જી. ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આહવા ગ્રામ પંચાયતના કુલ 18 સભ્યો પૈકી 14 સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મતદાન દરમિયાન હાજર રહેલા 14 સભ્યોમાંથી 13 સભ્યોએ સરપંચ શ્રી હરિચનભાઈ વિરુદ્ધ મૂકાયેલી અવિશ્વાસની દરખાસ્તને સમર્થન આપ્યું હતું. બહુમતી સભ્યોના સમર્થનને કારણે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર જાહેર કરવામાં આવી હતી.
દરખાસ્ત બહુમતીથી પસાર થતાં આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચનભાઈએ સભાનો વિશ્વાસ ગુમાવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું, જેના પરિણામે તેમને સરપંચ તરીકેનો હોદ્દો ગુમાવવાનો વારો આવ્યો છે.
આ નિર્ણય બાદ આહવા ગ્રામ પંચાયતના નવા સરપંચની પસંદગી માટે નિયમ મુજબની આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.