
*દહેગામમાં ભારે વરસાદ વચ્ચે પાલિકા એક્શનમાં: નીચાણવાળા વિસ્તારોમાંથી યુદ્ધના ધોરણે પાણી નિકાલ શરુ*
********
ગાંધીનગર તા.૨૪ જુલાઈ –
છેલ્લા ૨ દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે દહેગામ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. નાગરિકોને પડી રહેલી અગવડતાને ધ્યાને રાખીને દહેગામ નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે વરસાદી પાણીના નિકાલની કામગીરી શરુ કરવામાં આવી છે.
નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી તેમજ એન્જિનિયરિંગ ટીમ દ્વારા પૂરજોશમાં મોનિટરિંગ કરીને શહેરમાં ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના શિયાવાડા જીઆઇડીસી, બંસીધર સોસાયટી તથા નવા ગાયત્રી મંદિર જેવાંનીચાણવાળા અને વધુ પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાંથી હાઇ-કેપેસિટી વાળા ડીવોટરિંગ પંપ મૂકીને પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે.
વરસાદી પાણીના વહેણને અવરોધતા કચરા અને માટીને જેસીબી તથા સફાઈ કર્મચારીઓની મદદથી દૂર કરી નાળાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે. શહેરના અલગ-અલગ વોર્ડ પર નગરપાલિકાની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે ૨૪ કલાક પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
શહેરીજનોની સુરક્ષા અને સુવિધા એ તંત્રની પ્રાથમિકતા છે. વરસાદી પાણી ભરાવાની જે પણ ફરિયાદો મળી રહી છે તેનો નિકાલ કરવા નગરપાલિકાની સમગ્ર ટીમ રાત-દિવસ કાર્યરત છે. નાગરિકોને કોઈપણ કટોકટીની સ્થિતિમાં નગરપાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે. દહેગામ નગરપાલિકા તમામ નાગરિકોને સહયોગ આપવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરે છે.
રિપોર્ટર
હિતેશ પટેલ