

બ્રેકિંગ ન્યૂઝ🚨
સુરત શહેરમાં થયેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેને સુરત મહાનગરપાલિકા (SMC) ના પ્રી-મોન્સૂન પ્લાનિંગની પોલ ખોલી નાખી છે. એક તરફ સામાન્ય નાગરિકો ઘૂંટણસમા ગંદા પાણીમાં નરકાગારની સ્થિતિ વચ્ચે જીવવા મજબૂર બન્યા છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ માત્ર કાગળ પર અને દેખાડા પૂરતી કામગીરી કરી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.તાજેતરમાં લીંબાયત ઝોનના મીઠી ખાડી વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓના હાઈપ્રોફાઈલ પ્રવાસ બાદ લોકોમાં વહીવટી તંત્રની સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.ગંભીર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના માનનીય અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે (IAS), સુરતના પ્રભારી સચિવ શ્રીમતી શાલિની અગ્રવાલ (IAS) અને સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. નાગરાજન (IAS) એ લીંબાયત ઝોન વિસ્તારની મુલાકાત લીધી હતી. આ અધિકારીઓએ મીઠી ખાડી નજીક આવેલી બેથી કોલોની, રાવનગર, કમરૂનગર, માઝદા પાર્ક, જુનું કમરૂનગર અને રતનજીનગર સહિતના ભારે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.આ વીઆઈપી (VIP) મુલાકાત બાદ સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જનતાનું કહેવું છે કે મોટા અધિકારીઓ લાઈફ જેકેટ પહેરીને આરામથી બોટમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોનો આંટો મારીને જતા રહે છે. સવાલ એ થાય છે કે જે અધિકારીઓ પોતે પાણીમાં પગ મૂકવા પણ તૈયાર નથી, તેઓ ચોવીસે કલાક ગંદા અને રોગચાળો ફેલાવતા પાણીની વચ્ચે રહેતા સામાન્ય પરિવારોની લાચારી અને મુશ્કેલીઓને કેવી રીતે સમજી શકશે?અધિકારીઓના આ સરવે એ રાહત આપવાને બદલે તંત્રની નિષ્ફળતા વધુ ઉજાગર કરી છે કરોડો રૂપિયાનો ધુમાડો પ્રી-મોન્સૂન કામગીરી પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં મીઠી ખાડીની આસપાસના વિસ્તારો દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીમાં ડૂબી ગયા છે.માત્ર ફોટો-ઓપ પ્રથા જનતાનો આક્ષેપ છે કે આ પ્રકારના પ્રવાસો માત્ર મીડિયામાં ફોટા પડાવવા પૂરતા જ મર્યાદિત છે, ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નક્કર રાહત મળતી નથી.પોતાની પોલ પોતે જ ખોલી, અધિકારીઓની આ મુલાકાતે સાબિત કરી દીધું છે કે ડ્રેનેજ અને જળનિકાલની વ્યવસ્થા કરવામાં સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.નિષ્કર્ષ સુરતની જનતાને અત્યારે મોટી ગાડીઓ કે બોટમાં ફરતા અધિકારીઓના આશ્વાસનની નહીં, પણ જળભરાવની સમસ્યામાંથી કાયમી ઉકેલની જરૂર છે. જ્યાં સુધી અધિકારીઓ એસી ઓફિસો અને સુરક્ષિત બોટોમાંથી બહાર નીકળીને વાસ્તવિકતાનો સામનો નહીં કરે, ત્યાં સુધી સુરતના નાગરિકોએ દર ચોમાસે આ રીતે જ હાલાકી ભોગવવી પડશે.
સંવાદદાતા: સુમિત શુક્લા