
*ડાંગમાં બિનઅધિકૃત બાંધકામો સામે કાર્યવાહી નહીં થતાં મનીષ મારકણા ઉપવાસ આંદોલન પર*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
આહવા, તા. 11: ડાંગ જિલ્લામાં બિનઅધિકૃત બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આહવાના દેવલપાડા વિસ્તારના રહેવાસી મનીષભાઈ કરમશીભાઈ મારકણા દ્વારા આજે તા. 11 ઓગસ્ટ, 2026થી જિલ્લા કલેક્ટર કચેરી, આહવા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
મનીષભાઈ મારકણાએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ડાંગ જિલ્લામાં બિનઅધિકૃત બાંધકામોના મુદ્દે અગાઉ પણ તા. 30 ઓગસ્ટ, 2025ના રોજ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં, તેમની રજૂઆત મુજબ, અપેક્ષિત કાર્યવાહી કરવામાં આવી નથી.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્ષ 2020થી 2024 દરમિયાન તેમજ તાજેતરના સમયમાં ડાંગ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી અથવા જરૂરી બાંધકામ પરવાનગી વિના બાંધકામો કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારના જણાવ્યા મુજબ, જવાબદાર અધિકારી દ્વારા ન્યૂઝ મીડિયામાં આપવામાં આવેલા નિવેદન અનુસાર જિલ્લામાં અંદાજે 63 બિનઅધિકૃત મિલકતો ઓળખવામાં આવી હતી.
અરજદારનો આક્ષેપ છે કે સર્વે પૂર્ણ થયા બાદ પણ બિનઅધિકૃત બાંધકામોને સીલ કરવા તેમજ નિયમભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત, જરૂરી પરવાનગી વિના બાંધકામની પ્રવૃત્તિઓ ચાલુ હોવા છતાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્રણ મુખ્ય માંગણીઓ
મનીષભાઈ મારકણાએ જિલ્લા પ્રશાસન સમક્ષ મુખ્યત્વે ત્રણ માંગણીઓ રજૂ કરી છે:
– જાહેર કરાયેલા 63 સહિત તમામ બિનઅધિકૃત બાંધકામોની તપાસ કરી નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે.
– નિયમભંગ કરનારાઓ પાસેથી કાયદા મુજબ દંડ વસૂલવામાં આવે.
– બિનઅધિકૃત બાંધકામોના મામલે જવાબદાર અધિકારીઓની કથિત નિષ્ક્રિયતા અંગે તપાસ કરવામાં આવે.
આ માંગણીઓને લઈને મનીષ મારકણાએ 11 ઓગસ્ટ, 2026થી જિલ્લા કલેક્ટર કચેરી, આહવા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિકાત્મક/આમરણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
હવે જિલ્લા પ્રશાસન દ્વારા આ રજૂઆત અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે અને બિનઅધિકૃત બાંધકામોના મુદ્દે આગામી સમયમાં કયા પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે.